બી. આર. એમ. શું છે?
મૂળભૂત રીતે ફ્રેંચ શબ્દોનાં પ્રથમાક્ષરો થી બી. આર. એમ. (B. R. M.) બને છે. તેનું પૂરું નામ છે ``બ્રવે રોન્દોનઅર મોંદીઓ" ( BREVETS RANDONNEURS MONDIAUX ). શાબ્દિક અર્થો આ મુજબ છે - બ્રવે = લાંબા અંતરની સાયકલ યાત્રા, રોન્દોનઅર = યાત્રાળુઓ અથવા વિચરણ કરનારા અને મોન્દીઓ = દુન્યવી અથવા દુનિયાના. બી. આર. એમ. નો ભાવાનુવાદ થાય સાયકલ વડે થતી લાંબી યાત્રાની પ્રવૃત્તિ. ફ્રાંસની એક ક્લબ બી. આર. એમ. ને પ્રમાણિત કરે છે અને મેડલ આપે છે. આ એવી પ્રવૃત્તિ છે જેમાં બીજાની મદદ લીધા વગર સાયકલ પર લાંબી સફર કરવાની હોય છે. આ પ્રવૃત્તિમાં સ્પર્ધા હોતી નથી પણ ભાગ લેનાર દરેકને આપેલા સમયમાં અમુક નિશ્ચિત અંતર કાપવું પડે છે. સમયપાલન થાય તો મેડલ દરેકને મળી શકે છે. બી. આર. એમ. પ્રવૃત્તિઓને ટૂંકમાં ``બ્રવે" કહે છે જેમાં અંતર અને સમયની મર્યાદા આ મુજબ છે: ૨૦૦ કિમી(૧૩.૫ કલાક), ૩૦૦ કિમી(૨૦ કલાક), ૪૦૦ કિમી(૨૭ કલાક), ૬૦૦ કિમી(૪૦ કલાક) અને ૧૦૦૦ કિમી (૭૫ કલાક). મજાની વાત એ છે કે એવા ઘણા લોકો છે જેણે બી. આર. એમ. માં ભાગ લીધો હોય પણ બી. આર. એમ. નું પૂરું નામ ખબર ન હોય! મારી આ પ્રવાસ કથા બી. આર. એમ. ની દુનિયાના સંદર્ભમાં જોઈએ તો સૌથી સરળ બી. આર. એમ. માટેની છે: સાડા તેર કલાકમાં ૨૦૦ કિલોમીટર યાત્રા. સરળ અને કઠીન સાપેક્ષ છે!બી. આર. એમ. નો પથ હતો બોપલ(અમદાવાદ)થી નળસરોવર, નળસરોવરથી બોપલ, બોપલથી ચિલોડા(ગાંધીનગર પાસે) અને છેલ્લે ચીલોડાથી ફરી બોપલ. લગભગ આ ચારે અંતરો ૫૦ - ૫૦ કિલોમીટરનાં હતાં.
આરંભ: પ્રથમ ૫૦ કિલોમીટર
સાયકલ ચાલન સવારે ૫ વાગે શરુ કરવાનું હતું. મોટા યુદ્ધમાં જતો હોઉં તેવું મનની અંદર અનુભવતો હતો. અંધારામાં ચમકે એવું જેકેટ, લબક ઝબક થતી લાઈટ, હેલ્મેટ, વગેરે સાથે નિયમ પ્રમાણે સજ્જ થઇ પહોચ્યો સવારે ૪ વાગ્યામાં આરંભ સ્થળે. વાતાવરણમાં થોડી ઠંડી હતી. યોગાનુયોગ ડિસેમ્બર મહિનાની ૩૧મી તારીખની આ પ્રવુત્તિમાં ૩૧ સાયકલ ચાલકોએ નામ નોંધાવ્યા હતાં.સાયકલ મુખ્યત્વે ૩ પ્રકારની જોવા મળે છે - રોડ બાઈક, હાઈબ્રીડ બાઈક અને માઉન્ટન બાઈક. માઉન્ટન બાઈકને એમ.ટી.બી.(M. T. B.) પણ કહેવાય છે. મુખ્ય તફાવત જોઈએ તો રોડ બાઈકના પૈડા પાતળા હોય છે અને તે ખુબ હળવી હોય છે, હાઈબ્રીડમાં થોડા જાડા અને એમ.ટી.બી. પ્રમાણમાં વધારે ભારે અને જાડા પૈડાની હોય છે. મારી પાસે એમ. ટી. બી. સાયકલ હતી. તુલનાત્મક રીતે એમ. ટી. બી. મજબુત હોય છે અને તેમાં ગતિ પકડવી મુશ્કેલ હોય છે તો બીજી બાજુ રોડ બાઈક કોમળ હોય છે (પંક્ચર જલ્દી પડી શકે છે) અને ઝડપથી ગતિ પકડી શકે છે. મારા સિવાયના લગભગ બધા રોડ બાઈક પર હતાં, તેથી અન્ય ચાલકોને થોડું આશ્ચર્ય થતું.
જે કાર્ય કરવાનું હોય તેને અનુરૂપ સારી ગુણવત્તાના સાધનો હોવા આવશ્યક છે. મારી સાયકલમાં કુલ ૨૪ ગીયર સંયોજનો શક્ય હતા. સને ૨૦૧૬ માં મારી આ સાયકલની ખરીદ કિંમત રૂપિયા ૨૪૦૦૦ હતી. ચાલે ત્યારે કોઈપણ પ્રકારનો કર્કશ અવાજ નથી આવતો અને ઓછી ઊર્જામાં ખાસ્સું અંતર કાપી શકાય છે.
આવા અભિયાનમાં કોઈપણ સમયે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાવું જોઈએ, તેને હાઈડ્રેશન કહે છે. આગળના દિવસથી જ પૂરતું પાણી પીવાનું શરૂ કરી દીધું હતું. ઊર્જા માટે બધાએ કેળાં ખાધા, દૂધ પીધું. એક સાથે બધાને ચર્મચુસ્ત પરિધાનમાં જોઇને સારું લાગતું હતું. મને તો એટલો ઉત્સાહ હતો, કે મેં એક કેળું સાયકલને ઘોડો સમજી છાલ કાઢી ધર્યું!! મને લાગતુ'તું કે સાયકલ ભાગું ભાગું થઇ રહી છે. હવે ૫૦ કિલોમીટર સુધી અન્ય ચાલકો સિવાય કોઈની મદદ લેવાની ન હતી. પંચર પડે તો જાતે જ કરવાનું વગેરે. અલબત્ત support vehicle ૫૦ કિલોમીટર અંતરે આવતા નિયંત્રણ કેન્દ્ર પર હોય. પણ કંટ્રોલ પોઈન્ટ પર પહોચવું પણ સહેલું નો'તું. જરૂરી કાગળ પર સિક્કો લાગ્યો. બધા સાયકલ ચાલકો ગોઠવાયા. ઉંધી ગણતરી શરુ થઇ ``....દસ, નવ,.....બે,..એક, ગો....." સીટી વાગી અને સવારના પાંચ વાગ્યામાં ઘોર અંધારામાં હેડ લાઈટ અને ટમ ટમ થતી ટેઈલ લાઈટ મસ્ત દૃશ્ય ઉભું કરતી'તી. થોડાજ અંતર બાદ એક પ્રત્યાવર્તી વળાંક આવ્યો. જે આનંદનો ઘૂંટ ભર્યો છે, લાગ્યું કે વર્ષોથી આ પળોની પ્રતીક્ષા હતી! બધા વાહન ચાલકો ઊર્જાથી ભરેલા હતા. ગમે તેમ તોય ૨૦૦ કિલોમીટર ની યાત્રા શરુ કરવા નીકળે એ થોડાં શરૂઆતમાં ઢીલા હોય? ઘોડાની ગતિથી અમારી સાયકલો અંધકારને ચીરીને આગળ જતી હતી. મેં નક્કી કર્યું હતું કે છેક સુધી એકાદ સાયકલ ચાલકની સાથે ચલાવીશ, જેથી રસ્તો શોધવાની બહુ જરૂર ન પડે. કેટલાક તો બંદુકની ગોળીની જેમ ગતિ પકડીને ચડ્યા નળસરોવરના રસ્તા પર. મારા પગમાં ઘણું જોર હતું. ૨૦-૩૦ કિલોમીટર તો બીજા અસવારોની સાથે વાતો કરતા કરતા કાઢી નાખ્યા. ગતિથી ભાગવાની ઈચ્છા પણ હતી અને અવકાશ પણ હતો. મન મુકીને પેડલ માર્યાં. આખું શરીર સહાય માટે તૈયાર હતું. પ્રાણવાયુ પૂરો પાડવા ફેફસાં થોડાં હાંફી જતાં હતાં. બાકી હાથ-પગ તો ઊર્જાથી તરબતર હતાં. પગ જાણે ફેફસાને હંફાવતા હતાં. નળસરોવર નિયંત્રણ કેન્દ્રથી હું લગભગ ૭ કિલોમીટર દૂર હતો ત્યારે મેં બે મિત્રોને પાછા ફરતા જોયા! કુલ અસવારો માંથી ફક્ત ૨ મારી પાછળ હતાં અને બાકીનાં અસવારો આગળ! નળસરોવર પહોચ્યો લગભગ ત્રણેક કલાકના સાયકલ ચાલન બાદ. જીવનમાં પહેલીવાર સાયકલ પર આટલા ઓછા સમયમાં આટલું લાંબુ અંતર કાપ્યું હતું. સહેજ જમણો ગોઠણ દુખતો હતો. હા, જમીન પર સ્થિર ઉભા રે'વા માં તકલીફ પડતી'તી. શિરામણ માટે ઈડલી સંભાર આયોજકોએ આપ્યા. વિરામ માટે બહુ સમય ન હતો. હજુ ૧૫૦ કિલોમીટર સાયકલ ચલાવવાની બાકી હતી. આ તબક્કામાં અંધારાને કારણે થોડી તકલીફ પડી. મને એ સત્યનું ભાન થયું કે અન્ય સાયકલ ચાલકોને હું પહોંચી શકું એમ નથી! એ પણ ભાન થયું અને અનુભવ્યું કે શા માટે એમ. ટી. બી.માં બીજું કોઈ નથી! પોતે અઘરું કાર્ય કરવા જઈ રહ્યા છીએ એનો ગર્વ લેવો સરળ છે, પણ એ અઘરું કાર્ય પાર પાડવું એ એક પડકાર છે.
નળસરોવરથી બોપલ- બીજા ૫૦ કિલોમીટર
સૂર્યોદય થઇ ચુક્યો હતો. નળસરોવર આગળ પક્ષીઓનો કલરવ પણ સંભળાતો હતો. મને એ જણાવતા ગૌરવ અને આનંદ થાય છે કે બી. આર. એમ.ના સાહસમાં બે અસવારો મહિલાઓ હતી. અન્ય ઉમેદવારોએ મોબાઈલ ફોનમાં થોડી છબીઓ લીધી. આજે જોગાનુજોગ મારીપાસે મોબાઈલ ફોન ન હતો. ૮ વાગ્યા આસપાસ ફરી યાત્રા શરુ કરી. ૧૧.૪૦ પહેલા બીજા ૫૦ કિલોમીટર પુરા કરી બોપલ પહોચવાનું હતું. શરૂઆતમાં મારી આગળ ૩-૪ સાયકલ ચાલકો દેખાતા હતા. થોડી વારમાં એ બધા ગાયબ! જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછુ જવાનું હોવાથી ચિંતા ન હતી. પીઠ પર એક નાનકડી બેગમાં કેળાં, પાણી, ખજૂરના લાડું, કેળાંની વેફર વગેરે હતાં તે ખાતો જતો હતો. હાઈડ્રેશન માટે થોડું થોડું પાણી પીતો જતો હતો. શરીરને પાણીની બહુ જરૂર હોય ત્યારે આપણને તરસ લાગે છે. ખરેખર તો તરસ લાગે એની રાહ ન જોવી જોઈએ અને થોડી થોડી વારે પ્રવાહી લેવું જોઈએ. આપણા શરીરમાં પુરતું પાણી છે એની કસોટી એ છે કે જ્યારે લઘુશંકાએ જઈએ ત્યારે પેશાબ એકદમ સફેદ આવે. આ યાત્રાના ભાગમાં થોડી થોડી વારે લઘુશંકા માટે ઉભું રેહવું પડતું હતું અને સમય બગડતો હોય એવું લાગતું! છતાં અનુભવી લોકોની સલાહ મુજબ થોડી થોડી વારે પાણી તો પીવાનું ચાલુજ રાખ્યું. જીવનમાં પ્રયોગો કરવા, પણ તજજ્ઞો અને અનુભવી લોકોની અવગણના ન કરવી. વિચાર્યું હતું કે હું સસલા અને કાચબાની બંનેની વિચારસરણી(strategy) કામે લગાડીશ. સસલાની જેમ ગતિથી જઈશ અને કાચબાની જેમ એકધારો જઈશ. સારી યોજના બનાવવી બહુ સહેલી છે પણ એ મુજબ બધું કરી શકીએ અને થાય એવું ભાગ્યેજ બને.થોડું સ્મરણિય
રસ્તામાં એક શાળા આવી. સૂર્યના કોમળ કિરણો વચ્ચે મેદાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓને શિસ્તમાં રહેવા સુચના આપતા હતા. હું સહજ શાળામાં ગયો અને સાયકલ ચલાવતા ચલાવતા જ ઊંચા અવાજે પૂછ્યું, ``એકડાં પાક્કાં કોને આવડે છે?" પ્રાથમિક શાળાના ઘણાં વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા. મેં પૂછ્યું ``ઓગણપચ્ચી કેમ થાય?" મેદાન પર કેટલીક વિદ્યાર્થીનીઓ મારી પર તૂટી પડી, ``ઓગણપચ્ચી હોય જ નહિ!" તેમનો આત્મવિશ્વાસ અને સાચો જવાબ જાણી આનંદ થયો. પછી મેં કહ્યું, ``હવે બધા એક સાથે જાવાબ આપજો હો, બરાબર?" જોર થી લહેકામાં હું બોલ્યો,`` પાંચડે એકડે એકોતેર, પાંચડે બગડે બોંતેર, તો પાંચડે તગડે,?" ઘણાં વિદ્યાર્થીઓના મોઢામાંથી સહજ નીકળી ગયું ``તોંતેર!!!" પછી પોતેજ પોતાના પર હસી પડ્યા, પાંચડે ત્રગડે તો ત્રેપન થાય!! ન કોઈ પરિચય, ન કોઈ સ્વાગત કે આભાર વિધિ, ન મેં મારું નામ કહ્યું, ન કોઈને કાંઈ પૂછવાનો અવસર આપ્યો. તરત ``આવજો" કહી કેટલાક સ્મિત ગજવે ભરી હું ફરી મારી આગળની યાત્રાએ નીકળી ગયો.થોડે દુર જતા એક સ્કુટરવાળાને મારી દયા આવી હશે એવું લાગ્યું. તેણે ચલાવતા ચલાવતા જ પૂછ્યું, ``ક્યાં જાવ છો?" મેં કહ્યું, ``અમદાવાદ." તેણે પોતાનો ખભો પકડવા કહ્યું, જેથી મારે પેડલ ન મારવા પડે. મને આનંદ તો થયો, પણ હજી મારું અભિમાન ઓગળ્યું ન હતું! આ પ્રકારની મદદ લેવી એ નિયમ વિરુદ્ધ હતું. મેં એકદમ સરળતાથી ના પાડી. મેં કહ્યું, ``આભાર, પણ હું નીકળ્યો જ છું સાયકલ ચલાવવા!"
રસ્તામાં એક જગ્યાએ માર્ગ નિર્માણનું કાર્ય ચાલતું હતું. મેં જોયું કે ત્યાં ૩-૪ વર્ષની એક છોકરી જાણે તેની માતાને મદદ કરતી હોય એમ રમતી હતી. મજુરવર્ગના બાળકોના શિક્ષણ માટે આપણને ચિંતા થવી જોઈએ. તે બાળકીને જોઈ હું રમાડવાના લહેકામાં બોલ્યો, ``તેં તો બહુ કામ કર્યું લાગે છે!" સાયકલ ચલાવતા ચલાવતા હું બોલ્યો હતો. રસ્તાની બીજી બાજુએથી થોડા દૂરથી એના પપ્પાએ મને ઉભા રહેવા કહ્યું. તેમને લાગ્યું કે મેં બાળકીની માતાને કૈંક કીધું! એની ગેરસમજ હોવા છતાં હું ઝાપટ ખાવા તૈયાર થઇ ગયો!!! એ નજીક આવ્યા એટલે મેં સ્પષ્ટ કર્યું. તેમને સમજાણું કે એને ગેરસમજ થઈ છે. કદાચ મારી આંખોમાં એમણે નિર્દોષતા અને સત્ય વાંચી લીધું હશે, અને એ ઠંડા પડ્યા. શબ્દની સત્યને સમાવવાની ક્ષમતા મર્યાદિત હોય છે. શબ્દોથી સત્ય વ્યક્ત કરવાના માનવના સાહસને બીરદાવવું ઘટે! અન્યની ગેરસમજ છતાં હું ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર હતો, પણ સદભાગ્યે ઘટના સુખાંત રહી!
સદી પૂરી કરી!
સવારના ૧૧.૪૦ વાગ્યા પહેલાં પહોંચવાનું હતું અને હું ૧૧ વાગ્યા આસપાસ પહોંચ્યો. મારા કાગળ પર જ્યારે સિક્કો લાગ્યો ત્યારે મેં જોયું કે છેલ્લાં સાયકલ અસવારો થોડા વિરામ બાદ આગળની યાત્રા પ્રારંભ કરી રહ્યા હતા. મને થયું કે હું બહુ મોડો નથી. આમેય આપણાં સુખ દુઃખ તો સાપેક્ષ હોય છે. ૬ કલાકમાં ૧૦૦ કિલોમીટર પુરા કર્યા હતા. આ નિયંત્રણ કેન્દ્ર પર પાણી, છાશ વગેરે લીધા અને જાણ્યું કે હું સાવ છેલ્લો નથી! આ ૫૦ કિલોમીટર દરમિયાન શરીરમાં એક સુસંવાદીતા અનુભવી. ફેફસા, હાથ, પગ, આંખો, કાન બધા અંગો જાણે એકબીજાને મદદ કરતા હોય એમ વર્તતા હતા! જાણે બધા અંગોએ કષ્ટ વહેંચી લીધું હતું!બોપલ થી ચિલોડા
હવે તો તડકો થયો હતો. બોપલ થી ૨૦ કિલોમીટર બાદ વૈશ્નોદેવી મંદિર છે ત્યાંથી વળવાનું હતું. મન થતું હતું કે આયોજકોને કહું, બાકીની અડધી બી. આર. એમ. કાલે કે પછી કરીએ તો ના ચાલે? અજાણતા નકારાત્મક વિચારો શરુ થઇ ગયા હતા. નિયમ અનુસાર ૧૩ કલાક ૩૦ મીનીટમાં ૨૦૦ કિલોમીટર પૂરા કરવાના હોય એમાં કોઈ બાંધ છોડ ના ચાલે! હવે જેમ જેમ સમય જતો હતો તેમ તેમ પાટલી બદલાતી હતી. આ ૫૦ કિલોમીટર દરમિયાન પહેલા જમણો ગોઠણ દુખવાનો શરુ થયો. થોડી વાર પછી એ મટી ગયો. પછી ડાબો ગોઠણ દુખવા માંડ્યો પછી એ પણ મટી ગયો. ફરી થોડા સમય પછી બંને ગોઠણ દુખવા માંડ્યા અને મને એમ કે એ પણ મટી જશે. પણ એ તો મટવાનું નામ જ ન લે! જીવનની એક મોટી સમસ્યા એ છે કે આપણે સારા અને ખરાબ એમ બંને પરિણામોથી ટેવાઈ જઈએ છીએ. કોઈક ઘટના પુનરાવર્તિત થાય એટલે માની લઈએ કે ફરી એવુંજ થશે. વાસ્તવમાં કુદરતમાં ખૂબ અનિશ્ચિતતા છે. બંને ગોઠણ બાદ સાથળ અને પીંડી દુખવાની શરુ થઇ. ફરી થોડા કિલોમીટર પછી નિતંબ સુધી દર્દ પહોંચ્યું. હવે સાયકલ ચલાવતા ચલાવતા સંશોધન શરુ થયું, ``કઈ સ્થિતિમાં સાયકલ ચલાવવામાં ઓછી તકલીફ પડે?" આવું બધું મનમાં વિચારતો હતો ત્યાં મારી પાછળ રહી ગયેલા એક માત્ર સાયકલ સવાર મારી પાસે આવી પહોંચ્યા. તેમને જોઈ મને ઉત્સાહ મળ્યો. મેં કહ્યું, ``હું તો એક શોખ પૂરો કરવા સાયકલ લઈને નીકળ્યો છું. બી. આર. એમ. પૂરી કરવી જ એવું નથી." તેમણે કહ્યું કે ``જે ગતિથી તમે જાઓ છો એ સમય સર બી. આર. એમ. પૂરી કરવા પૂરતી છે." ૩-૪ કિલોમીટર સુધી થોડી વાતો કરી એમણે આગળ ગતિ પકડી. હવે હું છેલ્લો હતો એ મને સમજાઈ ગયું! મારી પાસે મોબાઈલ નહિ, બધા ચાલકો મારાથી ક્યાંય દૂર નીકળી ગયેલા. એક તરફ સાયકલ યાત્રા અને બીજીબાજુ મારી અંતર્યાત્રા શરુ થઈ. યાદ આવ્યું ``કીડી કોશનો ડામ ખમે?" એકલો એકલો એવો તો હસ્યો મારા ઉપર! શું જરૂર હતી આ બી. આર. એમ. માં ભાગ લેવાની? સાયકલ ચાલે, પણ કાંઈ બસ્સો બસ્સો કિલોમીટર હોય? હરખ પદુડો! લે હાંક, લે માર પેડલ!!! રસ્તામાં આવતા સાઈન બોર્ડના પણ અર્થઘટન બદલાવા લાગ્યા! જ્યારે વાંચ્યું અડાલજ ૩ કિલોમીટર, વિચાર આવ્યો કે અડાલજની વાવમાં જઈ બે ડૂબકી મારી આવું. ક્યાં એ અડાલજની વાવની ઠંડક અને ક્યાં આ તડકાનું સાયકલીંગ!! `વાહન ધીમે હાંકો' વાંચી પોતાને સાંત્વના મળતી કે પાલન થાય છે!!! મંડ્યો યાદ કરવા, ગાંધીનગરમાં કોણ ઓળખીતું રહે છે, જેના ઘરે રાત રોકાંઈ જવાય! બપોરનું ભોજન બાકી હતું અને ઘડિયાળનો કાંટો ૧ની નજીક હતો. વચ્ચે મેં ખજુર, કેળાં, વેફર વગેરે આરોગ્યા કર્યું હતું. વિચાર્યું કે આવનારા નિયંત્રણ સ્થળે થોડું ભોજન લઈશ. હજી નિયંત્રણ સ્થળેથી લગભગ ૨૦ કિલોમીટર દૂર હોઈશ, ત્યારે મને એક પ્રકાશ પુંજ સામેના રસ્તાથી જતું દેખાયું! મને આશ્ચર્ય થયું, કે એ શું હતું. મેં મગજને તસ્દી આપી અને વિશ્લેષણ કર્યું. ખ્યાલ આવ્યો કે બે અસવારો અંતિમ ૫૦ કિમીના તબક્કામાં પહોંચી ગયા છે. મને થયું કે હું ખોટા રસ્તે નથી એટલું તો સાબિત થયું! વિચારોના વમળમાં ઘણાંને ઘઘલાવી નાખ્યા! મને કોણે મોકલ્યો આ બી. આર. એમ. માં? મારી પત્ની પણ થોડી વાર ઝપટે ચડી ગઈ, કેમ તેણે મને રોક્યો નહિ? મારા Ph.D. અભ્યાસ વખતેના દિવસો પણ યાદ આવી ગયા જ્યારે દિવસો સુધી પ્રશ્નોના જવાબ નહોતા મળતા(જો કે એ તો રોજ યાદ આવે છે!).દુષ્કાળમાં અધિક માસ
આયોજકોએ આપેલ એક કાગળમાં લખ્યું હતું એક સર્કલ થી જમણે વળો, અને મેં લીધી ડાબી બાજુ! મને એમ કે હવે હું બહુ નજીક છું. બધાને પૂછું, ``ચૈતન્ય ધામ ક્યાં છે?" જાણવા મળ્યું કે મારે હિંમતનગર વાળો મહામાર્ગ લેવાનો હતો! રીક્ષા વાળાએ કહ્યું કે ``ચૈતન્ય ધામ ૧૮ કિલોમીટર દૂર છે." ૫-૭ કિલોમીટર ખોટા રસ્તે ચડી ગયો હોઈશ! જયારે એક એક કિલોમીટર આંકરું લાગતું હોય ત્યારે ૧૦ કિલોમીટર વધુ ચલાવવાની થાય તો ફેં ફેં થઈ જાય! જે હોય તે, પણ હવે તો આગલા પડાવ પર પહોંચવુંજ છે એવો નિર્ધાર કર્યો. જે ક્ષણે ખબર પડે કે ખોટા રસ્તે છીએ, એ રસ્તો મૂકી સાચા રસ્તે ચડી જવું. આપણને ધ્યેય એટલું આકર્ષક અને લલચામણું લાગતું હોય છે કે આપણે ઉતાવળમાં માર્ગ પણ ભટકી શકીએ છીએ! અંતે ફરી સાચા માર્ગે ચડ્યો. એક એક કિલોમીટર કેટલું લાં.......બુ હોય છે તે સમજાઈ ગયું. વિચારી લીધું કે હવે ઘરે જાવું છે. બી. આર. એમ. પૂરી કરવી નથી. ૧૫૦ કિલોમીટર કાંઈ ઓછા ના કેહવાય. છેલ્લાં ૬-૭ કિલોમીટર વખતે ઘણાં અસવારો પાછા આવતાં જોયા. મારી બેગમાં હવે પાણી, ખાવાનું કશુંજ ન હતું. ત્રણ ચાર વખત તો જબરું થયું: પેટમાં સહેજ ચૂંક જેવું આવે પછી વાછૂટ થાય અને થોડી વાર સાયકલમાં ગતિ આવે! આમાં રોકેટ જેવો કોઈ સિદ્ધાંત હશે કે કેમ એ પ્રશ્ન હજી અનુત્તર છે. બીજા કોઈ અસવારને મેં પૂછ્યું નથી. ગમે તેમ હોય પણ ન્યુટનના ગતિના નિયમો સાવ ખોટા તો નહિ જ હોય! છેલ્લા ત્રણ કિલોમીટરે એક અસવાર જોઈ હું હરખાયો. મેં પણ કાંઈ જેમ તેમ નથી હાંકી મારી રમકુડી!નિયંત્રણ કેન્દ્રપર આયોજકોના બે સભ્યો મારી રાહ જોઈ ઉભા હતા. તેમણે મોબાઈલથી ફોટો પાડ્યો! ૧૫૦ કિલોમીટર સાયકલ ચલાવ્યા પછી ફોટા માટે સ્મિત આપવું અઘરું હતું! તેમણે પહેલો પ્રશ્ન પૂછ્યો, ``cramps તો નથી ને?" મેં કહ્યું ``ના". હાઈડ્રેશન માટે તેમણે એક ટીકડી એક ગ્લાસમાં નાખી પી જવા કીધું. કોટના બટન જેવડી ઈલેકટ્રોલની ટીકડી હતી. પીધા પછી ઘણું સારું લાગ્યું. થોડો વિશ્રામ લીધો. હું નિર્ધારિત સમય કરતા ૩૦ મિનીટ પહેલા પહોચ્યો હતો.
અંતિમ તબક્કો
મારો વિચાર હતો કે પૂરો પ્રયત્ન કરવો. બી. આર. એમ. સમય સર પૂરી ના થાય તો કઈ નહિ, પણ પોતાને એવું ન લાગવું જોઈએ કે અધૂરો પ્રયત્ન થયો. નિયંત્રણ કેન્દ્રથી આયોજકોએ બે ઈલેકટ્રોલની ટીકડી આપી અને કહ્યું કે ૨૫ કિલોમીટર પછી આ લઇ લેજો. એક પાણીની બોટલ પણ ખરીદી લેજો. તેમણે મને એક કાગળ આપ્યો જે અંતિમ કેન્દ્ર પર આયોજકોને આપવાનો હતો. મારો વિચાર હતો, વચ્ચેથી જો અઘરું લાગે તો સીધું ઘરે જતું રહેવું! પણ હવે એ શક્ય ન હતું. બીજા અસવારોની માહિતી આ કાગળમાં હતી. આ તો ફસાણા! સાડાતેર કલાક થાય છે સાંજના ૬ ને ૩૦ મીનીટે. અત્યારે બપોરના ૩ વાગ્યા હતા. બાકીનાં ૫૦ કિમી ૩ કલાક ૩૦ મિનીટમાં પસાર કરવાના હતાં. ભૂખ લાગી હતી. મેં દાળ વડા બંધાવી લીધા. સાયકલ ચલાવતા ચલાવતા ખાતો ગયો. ભારતને ઓલિમ્પિકમાં ચંદ્રક ન મળે તો જે લોકો રમતવીરોને ગાળો ભાંડે છે તે ફક્ત એક વાર બી. આર. એમ. કરી બતાવે. હવે દુખાવાથી ટેવાઈ ગયો એવું લાગ્યું. દાળવડા, ઈલેકટ્રોલ અને સાદું પાણી પી આરામથી સાયકલ ચલાવતો રહ્યો. ઊંડે ઊંડે થતું હતું, કે બી. આર. એમ. માં LF(late finish) મળશે. ઘડિયાળનો કાંટો ફરતો હતો, એક સાયકલ રોડ પર ચાલતી હતી અને અનેકો મારી અંદર- દુખાવાનું ચક્ર, આનંદનું ચક્ર, ગુસ્સાનું ચક્ર વગેરે એક સાથે ફરતા હતાં. સૌ થી વધુ કષ્ટદાયક તબક્કો ત્રીજો તબક્કો હતો, જે જતો રહ્યો હતો. હવે સમયે પહોચવાની ઈચ્છા વધુ પ્રદીપ્ત થઇ. પગમાં એકદમ હળવા cramps આવતા હતા. હવે કોઈ સ્કુટર વાળો ખભો પકડવાનું કહે તો થોડી વાર પકડી લઉં. આમેય મેં દસેક કિલોમીટર તો વધુ ચલાવીજ છે! ખરાબ વિચાર ના આવે એ ઈશ્વર કૃપા છે. ખરાબ વિચાર આવવા એ સ્વાભાવિક છે, એનો અમલ ન થાય એ મનુષ્યના હાથમાં છે. મોટેભાગે આપણું મન આપણને ખોટું કાર્ય કરાવવા જરૂરી તર્ક આપી દે છે. કહ્યું છેને `ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી'. હવે ફેફસાને કોઈ તકલીફ ન હતી, હવે પગ રાડો પાડતા હતા. શ્વસન એકદમ સામાન્ય, પણ જોરથી પેડલ ના લાગે. ઈલેકટ્રોલનું પાણી પીધા પછી ૧૫-૨૦ મિનીટ સારી ગતિથી સાયકલ ચાલે. ફરી પગમાં ગોટલાં ચડે ફરી ઈલેકટ્રોલનું પાણી પીઉં. ફ્રાન્સની ``તુર દ ફ્રોન્સ " ની યાદ આવી. સાંભળ્યું હતું કે એક સાયકલ ચાલકે સીટ પર પેટના આધારે સુઈ ગતિ વધારી હતી. મેં પણ રોડ પર ખેલ ચાલુ કર્યા! પણ મને જોવાવાળું કોઈ ન હતું એ અલગ વાત છે! ચાલુ સાયકલે સ્નાયુની કસરતો પણ કરતો ગયો. સસલા-કાચબાની strategy તો ક્યાંય રહી ગઈ. લાગતું હતું કે કાચબાની ગતિ અને સસલાની જેમ આરામ કરતાં કરતાં જાઉં છું!! એવી અનુભૂતિ થતી હતી જાણે કે હું ઓલિમ્પિકમાં એક સ્પર્ધક છું અને આખા ભારતની નજર મારી ઉપર છે! ફરી એક તબક્કો આવ્યો જયારે એક ટ્રેક્ટર મારી આગળ હતું અને પાછળથી પકડી થોડો આરામ કરી શકાય એમ હતું. પણ હવે નક્કી કરી લીધું હતું, પૂરું કરવું તો નીતિ નિયમ સાથે. સારા માણસોથી મોટેભાગે ભૂલ નથી થતી, કારણકે, ખોટું કરવાની તક અને ખોટું કરવાની ઈચ્છા બંને સાથે ભાગ્યેજ આવે છે. છેલ્લે જ્યારે જોયું કે ૩૦ મિનીટ છે અને ૫ કિલોમીટર બાકી છે ત્યારે મેં ચીસ પાડી, ``ગૌતમ! તે કરી બતાવ્યું!" મને વિશ્વાસ આવીગયો કે હવે હું ૬.૩૦ પહેલા પહોંચી જઈશ. અંતે ૬ વાગીને ૧૦ મીનીટે હું અંતિમ પડાવ પર પહોચ્યો. મારી પાસે ૨૦ મિનીટ બચી હતી! કોઈને કંઈ પડી હોય કે નહિ, મને જે અંતરની ખુશી થઈ એને સમાવવા શબ્દો ટૂંકા પડે. માન્યામાં નહોતું આવતું કે મેં ૧૩ કલાક અને ૧૦ મીનીટમાં ૨૦૦ કિલોમીટરથી વધુ સાયકલ ચલાવી છે. બાળપણથી સાયકલ પ્રવાસનાં સપનાં જોયા છે. હવે શરીર જબરદસ્ત ધમધમતું હતું. થાક્યાનો આનંદ હતો. છેલ્લે છેલ્લે સમયસર પહોંચીશ કે નહિ પહોચું એની દ્વિધા ખુબ રોમાંચક રહી.સુવિચારો
- સરળ અને કઠીન સાપેક્ષ છે
- જે કાર્ય કરવાનું હોય તેને અનુરૂપ સારી ગુણવત્તાના સાધનો હોવા આવશ્યક છે.
- અઘરું કાર્ય કરવા જઈ રહ્યા છીએ એનો ગર્વ લેવો સરળ છે, એ અઘરું કાર્ય પાર પાડવું એ એક પડકાર છે.
- જીવનમાં પ્રયોગો કરવા, પણ તજજ્ઞો અને અનુભવી લોકોની અવગણના ન કરવી.
- સારી યોજના બનાવવી બહુ સહેલી છે પણ એ મુજબ બધું થાય એવું ભાગ્યેજ બને.
- આપણાં સુખ દુઃખ તો સાપેક્ષ હોય છે.
- શબ્દની સત્યને સમાવવાની ક્ષમતા મર્યાદિત હોય છે.
- જીવનની એક મોટી સમસ્યા એ છે કે આપણે સારા અને ખરાબ એમ બંને પરિણામોથી ટેવાઈ જઈએ છીએ.
- કુદરતમાં ખૂબ અનિશ્ચિતતા છે.
- જે ક્ષણે ખબર પડે કે ખોટા રસ્તે છીએ, તેજ સમયે એ રસ્તો મૂકી સાચા રસ્તે ચડી જવું.
- આપણને ધ્યેય એટલું આકર્ષક અને લલચામણું લાગતું હોય છે કે આપણે ઉતાવળમાં માર્ગ પણ ભટકી શકીએ છીએ
- ખરાબ વિચાર આવવા એ સ્વાભાવિક છે, એનો અમલ ન થાય એ જાગૃતિનું પરિણામ છે.
- મોટેભાગે આપણું મન આપણને ખોટું કાર્ય કરાવવા જરૂરી તર્ક આપી દે છે.
- સારા માણસોથી મોટેભાગે ભૂલ નથી થતી, કારણકે, ખોટું કરવાની તક, ખોટું કરવાની જરૂર અને ખોટું કરવાની ઈચ્છા સાથે ભાગ્યેજ આવે છે.




No comments:
Post a Comment